રામમંદિરની ઉજવણીના ભાગરૂપે ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ૨૧૦૦૦ સીતા અશોકનું વિતરણ થશે

સુરતના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન તેમજ સચીનની સરદાર પટેલ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા દ્વારા રામાયણકાળના સીતા અશોક વૃક્ષના વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી નરોત્તમભાઈ પટેલ, સામાજિક અગ્રણી ભરતભાઈ શાહ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડૉ. જિજ્ઞાસા ઓઝા તેમજ સામાજિક કાર્યકર રીતુ રાઠી ઉપસ્થિત રહ્યા હતા.

સીતા અશોક વૃક્ષના વિતરણનું આયોજન ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વિરલ દેસાઈ દ્વારા રામમંદિર નિર્માણની ઉજવણીના ભાગરૂપે આગામી દિવસોમાં ઘર ઘર સીતા અશોક પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. તો માત્ર સીતા અશોક ધરાવતા પાંચ અર્બન ફોરેસ્ટ પણ વિરલ દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવશે.

આ વિતરણ સમારંભમાં સુરતની વિવિધ હસ્તીઓ તેમજ સામાજિક સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી, જ્યાં વ્યક્તિ વિશેષો તેમજ સંસ્થાઓનું અશોક વૃક્ષ તેમજ રામચરિત માનસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર બુનિયાદી શાળાના ટ્રસ્ટીઓ નરોત્તમભાઈ પટેલ તેમજ પૂર્વ મેયર ગીતા દેસાઈ દ્વારા અત્યંત રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો. તો ભરતભાઈ શાહે પણ પર્યાવરણ માટે હંમેશાં અગ્રેસર રહેતી સંસ્થા હાર્ટ્સ એટ વર્કને અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમ સંદર્ભે ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘આપણે માનીએ છીએ કે રામ કણકણમાં છે. તો પછી આપણે જે હવા લઈએ છીએ હવામાં પણ રામનો અંશ છે. એ હવા શુદ્ધ રહે એ માટે જ અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. આ વર્ષે જ્યારે આપણે રામમંદિરની ભવ્ય પ્રતિષ્ઠાના સાક્ષી બનવાના છીએ એને અનુલક્ષીને અમે શોક ન થાય એવા સીતા અશોક વૃક્ષના વિતરણનું આયોજન કર્યું છે.’

ઉલ્લેખનીય છે કે રામાયણકાળમા સીતા માતા અશોક વાટીકામાં અશોક વૃક્ષની નીચે બેઠા હતા. તો આયુર્વેદમાં પણ અશોકનું અત્યંત મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. બીજી તરફ ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. તેમના દ્વારા ગ્રીન ઉધના રેલવે સ્ટશન પણ તૈયાર કરવામાં આવ્યું છે.