શાસકની સંવેદના :
કૅન્સરગ્રસ્ત “કલ્પ” માટે આરોગ્યમંત્રી બન્યા “કલ્પવૃક્ષ”
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કૅન્સરગ્રસ્ત બાળકની ડૉક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કરી
બાળક માટે આરોગ્યમંત્રીશ્રી ખુદ “દર્દી” બન્યા….
કલ્પે એપ્રન અને સ્ટેથોસ્કોપ પહેરીને કૅન્સર વોર્ડમાં રાઉન્ડ લઇ બાળ દર્દીઓ સાથે સંવાદ સાધીને સ્વાસ્થ્ય તપાસની અનુભૂતિ કરી
અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ યોગેશભાઈ પટેલને લ્યુકેમિયા (લોહીનું કૅન્સર) છે. ૧૦ વર્ષના કલ્પના પરિવારને એક વરસ પહેલા જ ખ્યાલ આવ્યો કે તેમના લાડકવાયા એકના એક દીકરાને કૅન્સર છે. મૂળે અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલની હાલ કિમોથેરાપીની સારવાર ચાલુ છે. આ પીડાદાયક પળોમાં રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ “કલ્પ” માટે જાણે “કલ્પવૃક્ષ” બન્યા.
૪ ફેબ્રુઆરી – વિશ્વ કૅન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે “મેક એ વિશ ફાઉન્ડેશન” અને ગુજરાત કૅન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI) ના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડૉક્ટર બનવાની અદ્મ્ય ઈચ્છાપૂર્તિ કરી.
કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રીશ્રીને જાણ થતા તેઓએ કલ્પની ઇચ્છા પૂર્ણ કરીને તેનો મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું.
વિશ્વ કૅન્સર દિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરીને લાખો- કરોડો કૅન્સરગ્રસ્ત બાળકોનો જુસ્સો વધારીને મનોબળ મજબૂત કરવાના શુભ આશયથી આરોગ્યમંત્રી શ્રી કલ્પની ડૉક્ટર બનવાની ઇચ્છાપૂર્ણ કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ પહોંચ્યા.
અહીં મંત્રીશ્રી એ કલ્પને એક દિવસ માટે ડૉક્ટર બનાવીને તેને ડૉક્ટર બનવાની સંપૂર્ણ અનુભૂતિ કરાવવા એપ્રન પહેરાવ્યું. ગળામાં સ્ટેથોસ્કોપ લગાડ્યું. વધુમાં આરોગ્યમંત્રીશ્રીએ પોતે જ કલ્પ માટે દર્દીની “ભૂમિકા” ભજવી. કલ્પે ડૉક્ટર બનીને ઋષિકેશભાઈને તપાસ્યા. તબીબ જેમ દર્દીનું દર્દ સમજી તેની દવા કરે છે, તે રીતે જ કલ્પે તેમની તપાસ કરી અને દવાનું પ્રિસ્ક્રીપ્શન પણ લખ્યું. બાદમાં આરોગ્યમંત્રીશ્રી કલ્પને કેન્સરવોર્ડમાં દોરી ગયા અને અન્ય દર્દીઓ સાથે પણ સંવાદ સાધ્યો.
જેમ એક ડૉક્ટર વોર્ડમાં રાઉન્ડ લઇને દર્દીઓને તપાસતા હોય છે તેમની આરોગ્યપૃચ્છા કરીને સ્વાસ્થય તપાસ કરતા હોય છે તેમનો જુસ્સો વધારતા હોય છે તેવી જ રીતે આજે કલ્પ ના નેતૃત્વ હેઠળ મંત્રી શ્રી, કૅન્સરના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા, મેક અ વિશ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉ. અનીલ ખત્રી સહિતના તબીબો કેન્સરગ્રસ્ત બાળકોના વોર્ડ તરફ આગળ વધ્યા.
કલ્પની સાથે વોર્ડમાં જઇને તેઓએ બાળકો સાથે સંવાદ સાધ્યો, તેમની સાથે સુમેળભર્યો વાર્તાલાપ કર્યો. કલ્પની ઇચ્છાપૂર્તિ થતી જોઇને કૅન્સરના વોર્ડમાં સારવાર મેળવી રહેલા અન્ય બાળકો પણ પ્રોત્સાહિત થયા. કૅન્સરગ્રસ્ત બાળકોના ચહેરા પર જાણે જીવનને સકારાત્મક રીતે જીવવાની નવીન આશાઓનું સ્મિત રેળાઇ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આ ક્ષણે મંત્રીશ્રીએ પણ વોર્ડમાં સારવાર મેળવી રહેલા બાળ દર્દીઓ સાથે મંત્રી નહીં પરંતુ એક વડીલ બનીને સંવાદ સાધ્યો તેમને હૈયાધારણા આપી. મંત્રીશ્રી અને કલ્પની મુલાકાત –સંવાદ બાદ સારવાર મેળવી રહેલા બાળદર્દીઓ અને તેમના સ્વજનોમાં જાણે કૅન્સરની લડત સામે નવીન ઉર્જા સાથે જુસ્સાનો સંચાર થયો હોય તેવી અનુભૂતિ થઇ.
કલ્પની ડૉક્ટર બનવાની અદમ્ય ઇચ્છાપૂર્તિ કર્યા બાદ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મેક અ વિશ ફાઉન્ડેશન અને જી.સી.આર.આઇના તમામ તબીબોના માધ્યમથી કૅન્સરગ્રસ્ત બાળકની એક ડૉક્ટર બનવાની ઇચ્છા પૂર્ણ થયા બાદ બાળકને આગામી જીવન જુસ્સાભેર જીવવા માટેની પ્રેરણા મળી છે.આ પ્રકારની ક્ષણો બાળકોના જીવનમાં નવીન સકારાત્મક ઉર્જાનો સંચાર કરીને જીવનને પ્રેરણાત્મક બનાવે છે.
કૅન્સર એટલે કેન્સલ એ માન્યતાઓ હવે જૂની થઇ છે. દિન-પ્રતિદિન વિકસી રહેલા મેડિકલ સાયન્સ અને તકનીકી સારવાર પધ્ધતિના અપગ્રેડેશનના પરિણામે કેન્સર જેવા ધાતક રોગની સારવાર શક્ય બની છે. ઝડપી નિદાન જ કૅન્સરને મ્હાત આપવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
-અમિતસિંહ ચૌહાણ