ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી તેમજ ઉદ્યોગપતિ વિરલ દેસાઈનું સુરતના વયસ્ક અનાવિલ સંગઠન દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. વયસ્ક અનાવિલો દ્વારા પર્યાવરણના ક્ષેત્રમાં વિશેષ કાર્યો કરવા બદલ વિરલ દેસાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સ્વીકારતી વખતે વિરલ દેસાઈએ પણ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘વડીલોના કોઈ સંગઠન દ્વારા તેમનું કોઈ સન્માન થતું હોય એવું પહેલીવાર બની રહ્યું છે. એટલા માટે અન્ય કોઈ પણ સન્માન કરતા તેમના માટે આ સન્માનનું આગવું મહત્ત્વ છે. કારણ કે આ માત્ર સન્માન જ નથી, પણ વડીલોના આશીર્વાદ પણ છે.’
આ સમારંભમાં પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં વડીલોને સાંકળી શકાય અને તેમના માધ્યમથી વૃક્ષારોપણની પ્રવૃત્તિને વેગ આપી શકાય એ વિશે વિમર્શ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંગઠનના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ટી દેસાઈ, હરીશભાઈ નાયક, નિતીનબાબુ નાયક, ભરતભાઈ દેસાઈ, દીપક વશી તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈને તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યાં દેશભરના ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાં તેઓ ઊર્જા સંરક્ષણના મામલે પ્રથમ રહ્યા હતા.