સુરત પ્રિ સ્કૂલ એસોસિયેશન સાથે જોડાયેલી 66 સ્કૂલોના 8200 બાળકોએ મતદાન જાગૃતિ વિષય પર બનાવ્યા ચિત્રો
સુરત. ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ત્યારે લોકસભાની ચૂંટણી એ કોઈ મહાપર્વ થી ઓછી નથી. લોકશાહીના આ પર્વમાં વધુને વધુ લોકો ઉત્સાહ સાથે ભાગ લે તે માટે ચૂંટણી આયોગ દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે સુરતે પણ આ ક્ષેત્રે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સુરત પ્રિ સ્કૂલ એસોસિયેશન સાથે જોડાયેલી 66 જેટલી સ્કુલોના 8200 જેટલા બાળકોએ મતદાન જાગૃતિ જેવા વિષય પર ચિત્રો દોરી અને આ ચિત્રો માતા પિતા ને ભેંટ આપવા સાથે ફોટો ક્લિક કરી મતદાન માટે જાગૃત કર્યા છે. ત્યારે આ પહેલને ગુજરાત બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું છે. જે અંગેનું પ્રમાણપત્ર જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડૉ. સૌરભ પારઘીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. સાથે જ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભગીરથ પરમારે પણ આ પહેલની પ્રશંસા કરી. જ્યારે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગહલોત, જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર અને કે.એન.ડામોરે પણ સુરત પ્રિ સ્કૂલ એસોસિયેશન ને ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રયાસો જારી રાખવા માટે પ્રેરણા આપી હતી.
સુરત પ્રિ સ્કૂલ એસોસિયેશન ના અધ્યક્ષ નિધિસિંહ અને અન્ય પદાધિકારી કામના ખંડેલવાલ, વિર્તી શાહ, ભૈરવી પરીખ, સ્વાતિ જોશી, હેમાલી ત્રિવેદી, ભક્તિ કંથારિયા, આકાંક્ષા પાટીલ અને નયના સોનવણે એ જણાવ્યું કે વાલીઓ મોટેભાગે મતદાનના દિવસને પિકનિક દિવસ સમજે છે ત્યારે મતદાન કરવું કેટલું જરૂરી છે વિશે તેમને જાગૃત કરવા જરૂરી છે.
સચિવ રાજેશ માહેશ્વરી અને અન્ય પદાધિકારી ગોપાલ ખત્રી, જેનીશ જૈને જણાવ્યું કે ગત લોકસભાની ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીના પહેલા તબક્કામાં 5 ટકા મતદાન ઓછું થયું છે. જે લોકશાહી માટે સકારાત્મક નથી. સુરતના સાંસદ બિનહરીફ ચૂંટાયા છે એટલે ઘણા મતદારો ને એવું છે કે હવે ચૂંટણી નહીં થશે પણ સુરત જિલ્લામાં ત્રણ લોકસભા સીટ ના મતદારો રહે છે, જે પૈકી બે સીટ પર આગામી 7 મેના રોજ ચૂંટણી યોજાનાર છે. આ જાગૃતિ કાર્યક્રમ સુરત પ્રિ સ્કૂલ એસોસિયેશન ભલે સુરત ખાતે કરી રહ્યું હોય પણ સમગ્ર દેશમાં એક સકારાત્મક અને સારો સંદેશો જશે. જેવી રીતે સ્વચ્છતા બાબતે સુરતે સમગ્ર દેશને સંદેશો આપ્યો છે તેવી જ રીતે મીની ભારત કહેવાતું સુરત મતદાન જાગૃતિ માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાવી રહ્યું છે.
જાગૃત નાગરિક હોવાના નાતે આપણી ફરજ છે કે આપણે રાષ્ટ્ર નિર્માણમાં જાગૃતિ લાવી યોગદાન આપીએ. પ્રિ સ્કૂલો સમગ્ર દેશમાં નેશનલ એજ્યુકેશન પોલિસી થકી વર્ષોથી રાષ્ટ્ર નિર્માણમાં અને બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. આ કાર્યક્રમ માટે વિનીતા ગોલેચ્છા , મેઘા નંદવાની, કૃષ્ણા ઠકકર, કવિતા શાહ, હિરેન ગાંધી સહિત પ્રિ સ્કૂલોના સંચાલકોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો.