વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર સુમીરો ડેન્ટલ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્ય તપાસ કેમ્પ યોજાયો

એક જ દિવસમાં 730 દર્દીઓની કરી તપાસ

સુરત. દેશના લોકપ્રિય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરના રોજ 73મો જન્મ દિવસ છે અને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી સાથે જ વિભિન્ન સંસ્થાઓ અને સમર્થકો દ્વારા વડા પ્રધાનના જન્મ દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત સ્થિત સુમીરો ડેન્ટલ ફાઉન્ડેશન દ્વારા પણ વડા પ્રધાનના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા દર્દીઓની મફત તપાસની જાહેરાત કરવામાં આવી હતી. શનિવારે વેસુ સ્થિત ક્લિનિક સાથે જ વિવિધ જગ્યાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે શ્રી કૌશલ કક્કડ અને ડૉ.ઉષ્મા કે કક્કડએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે વૈશ્વિક કક્ષાએ દેશનું માન વધારી રહ્યા છે તેનાથી દેશની જનતા ખુશ છે અને આ ખુશીની સ્માઈલ લોકોના ચેહરા પર અવિરત રહે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિ:શુલ્ક ચેકઅપ કેમ્પ ને સફળ બનાવવામાં ડો.આયુષી વર્મા, ડો. કૃતિકા અગ્રવાલ, ડૉ માનસી મેહતા, ડૉ હિના સંતોકી અને ડૉ ક્રિયા ગાંધીનો મહત્વનો સહયોગ રહ્યો હતો. શનિવારે એક જ દિવસમાં ફાઉન્ડેશન દ્વારા 730 લોકોની મફત તપાસ કરી એક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો .