જીપીસીબી સુરત અને ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારાતાપી એન્જિનિયરિંગ કૉલેજમાં યોજાયો પર્યાવરણ પર સેમિનાર

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા ઉપાડાયેલી રાષ્ટ્રવ્યાપી પર્યાવરણીય ચળવળ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટ ચેન્જ’ મુવમેન્ટ તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કૉલેજમાં યોજવામાં આવી હતી. જે અંતર્ગત એન્જિનિયરિંગના વિદ્યાર્થીનીઓ સાથે ક્લાયમેટ એક્શન અને પર્યાવરણ સંરક્ષણ સંદર્ભે સંવાદ કરાયો હતો અને તેમને ‘પર્યાવરણ સેનાની’ બનાવવામાં આવ્યા હતા.

આ મુહિમ અંતર્ગત જીપીસીબી, સુરતના રિજનલ હેડ ડૉ. જિજ્ઞાસા ઓઝા પણ વિશેષ હાજર રહ્યાં હતાં અને તેમણે વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો. વિરલ દેસાઈએ આ સંદર્ભે જણાવ્યું હતું કે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટચેન્જ મુવમેન્ટ દ્વારા અમે જનજન સુધી પહોંચવા માગીએ છીએ અને પ્રદૂષણની સામેની આ લડાઈમાં અમને યુવાનો અને વિદ્યાર્થીઓની સૌથી વધુ જરૂર છે. એક તરફ આપણે રોજ સવાર થયે અનેક ક્લાયમેટ ક્રાયસિસનો ભોગ બની રહ્યા છીએ ત્યારે આપણા માટે હવે આ દિશામાં નક્કર કામ થાય એ સૌથી તાતી જરીરિયાત છે.

તો ડૉ. જિજ્ઞાસા ઓઝાએ પણ કહ્યું હતું, ‘આપણે ભૂતકાળના અનુભવોમાંથી શીખીને આપણા વર્તમાનમાં પર્યાવરણ સંરક્ષણની દિશામાં સકારાત્મક મથામણો કરવાની છે અને એ રીતે આપણા ભવિષ્યને સારું બનાવવાનું છે.

ઉલ્લેખનીય છે કે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલા ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટ ચેન્જ’ મુવમેન્ટમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સુરત પણ સત્તાવાર રીતે જોડાયું છે, જે અંતર્ગત બંને સંસ્થાઓએ સાથે મળીને એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનો સુધી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પહોંચાડવાનો અને બે લાખથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે. આ મુહિમ અંતર્ગત અત્યાર સુધીમાં છે હજારથી વધુ વિદ્યાર્થીઓને ‘પર્યાવરણ સેનાની’ બનાવાયા હતા.