સાર્વજનિક યુનિવર્સિટીએ 5મા સ્થાપના માસની ઉજવણી અંતર્ગત નવી પહેલોની શરૂઆત કરી

સુરત: 5મા સ્થાપના માસની ઉજવણી અંતર્ગત સાર્વજનિક યુનિવર્સિટીએ સર્વાંગી સુખાકારી, સુલભતા અને સર્વસમાવેશક શિક્ષણને પ્રોત્સાહન આપતી વિવિધ અર્થપૂર્ણ પહેલોનું આયોજન કર્યું.

આ પ્રસંગે એસયુ સ્ટુડન્ટ્સ હેલ્થ ક્લબ દ્વારા ટિફેક સેમિનાર હોલ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ યોગ અને ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આર્ટ ઓફ લિવિંગના શ્રી લવકેશ ચૌધરી અને સુશ્રી અંકિતા ઝુનઝુનવાલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધ્યાપકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમમાં શારીરિક તંદુરસ્તી, માનસિક સ્વાસ્થ્ય, સજાગતા અને સંતુલિત જીવનશૈલીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો, જે યુનિવર્સિટીની સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

કાર્યક્રમ દરમિયાન યોગસાધક સીએ ભૂષણ દવે દ્વારા વિકસિત નવા યોગાસન ‘ભૂષણાસન’નું પણ પરિચય કરાવવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે આ આસન કરોડરજ્જુ પરના દબાણને ઘટાડીને થાકને ઝડપથી દૂર કરવામાં મદદરૂપ બને છે. તેમણે ઉપસ્થિતોને આ આસનનો અભ્યાસ કરવા તથા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો.

પ્રસંગે સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલે યોગ અને નિયમિત વ્યાયામના વ્યક્તિના સ્વાસ્થ્ય, કાર્યક્ષમતા અને ઉત્પાદકતા પર પડતા સકારાત્મક પ્રભાવ અંગે માર્ગદર્શન આપ્યું. જ્યારે પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) કિરણ પંડ્યાએ દૈનિક જીવનમાં યોગના સમાવેશ દ્વારા તણાવમુક્તિ અને સર્વાંગી સુખાકારી પ્રાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કાર્યક્રમમાં યુનિવર્સિટી પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન એસયુ સ્ટુડન્ટ્સ હેલ્થ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્થાપના માસની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવતા સાર્વજનિક યુનિવર્સિટીએ ‘સાર્વજનિક સેન્ટર ફોર ઇન્ક્લૂસિવ એન્ડ એક્સેસિબલ એજ્યુકેશન’નું ઉદ્ઘાટન પણ કર્યું. આ કેન્દ્ર દ્વારા યુનિવર્સિટી સર્વસમાવેશક અને સમાન શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહી છે.

કેન્દ્રનું ઉદ્ઘાટન જાણીતા ઉદ્યોગસાહસિક, સમાજસુધારક અને બોલન્ટ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક શ્રી શ્રીકાંત બોલા દ્વારા કરવામાં આવ્યું. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)માં અભ્યાસ કરનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિબાધિત વિદ્યાર્થી તરીકે ઓળખાતા શ્રી બોલાની પ્રેરણાદાયી જીવનયાત્રાએ વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપી છે. તેમના જીવન પર આધારિત ‘શ્રીકાંત’ નામની હિન્દી ફિલ્મ પણ તાજેતરમાં રજૂ થઈ છે.

શ્રી બોલાએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સિટીના સુલભ અને સર્વસમાવેશક શિક્ષણ ક્ષેત્રેના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન, કૌશલ્ય વિકાસ, ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટની તકો ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપવાની તૈયારી વ્યક્ત કરી.

નવેસરથી સ્થાપિત આ કેન્દ્ર દિવ્યાંગ વિદ્યાર્થીઓને સુલભતા, શૈક્ષણિક સહાય, કૌશલ્ય વિકાસ, કારકિર્દી માર્ગદર્શન અને રોજગારલક્ષી તકો ઉપલબ્ધ કરાવવા માટે કાર્ય કરશે. સાથે સાથે યુનિવર્સિટી સમુદાયમાં સમાવેશિતાની ભાવના અંગે જાગૃતિ અને સંવેદનશીલતા વધારવા માટે પણ પ્રયત્નશીલ રહેશે.

પ્રસંગે શ્રી આશિષ વકીલ તથા પ્રો. (ડૉ.) કિરણ પંડ્યાએ જણાવ્યું કે આ પહેલ સાર્વજનિક યુનિવર્સિટીના એવા વિઝનને પ્રતિબિંબિત કરે છે જેમાં દરેક વિદ્યાર્થીને તેની શારીરિક મર્યાદાઓથી પર ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનું ધ્યેય છે. આ કેન્દ્ર વિવિધ ક્ષમતાઓ ધરાવતા વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં સહાયરૂપ બનશે અને સર્વસમાવેશક કેમ્પસ સંસ્કૃતિના વિકાસમાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવશે.

આ પહેલો દ્વારા સાર્વજનિક યુનિવર્સિટી શૈક્ષણિક શ્રેષ્ઠતા, સામાજિક જવાબદારી, સર્વાંગી વિકાસ અને સર્વસમાવેશક વૃદ્ધિના પોતાના ધ્યેયને આગળ ધપાવી રહી છે. સ્થાપના માસ અંતર્ગત આયોજિત પ્રવૃત્તિઓ વધુ સ્વસ્થ, સમાન અને સશક્ત સમાજના નિર્માણ પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.