ગ્રીનમેન વિરલ દેસાઈના ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા

ઉધના ખાતે શહીદ સ્મારક અને ઈન્ડિયાગેટનું સી.આર.પાટીલ દ્વારા લોકાર્પણ
હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા શહીદ સ્મારક, ઈન્ડિયા ગેટ તેમજ સૈન્યની વિશાળ પ્રતિમાનું સી.આર. પાટીલ દ્વારા લોકાર્પણ


સુરત: ગ્રીનમેન વિરલ દેસાઈના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા ઉધના ખાતે તૈયાર કરાયેલા અર્બન ફોરેસ્ટ ‘શહીદ સ્મૃતિ વન’ ખાતે શહીદ સ્મારક, ઈન્ડિયા ગેટ, આરપીએફ જવાનની પ્રતિમા તેમજ સૈન્યની વિશાળ પ્રતિમાનું અનાવરણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ નવસારીના સાંસદ સી. આર. પાટીલ દ્વારા શુક્રવારે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે પ્રદૂષણ સંદર્ભની જાગૃતિ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વનિતા વિશ્રામના પ્રોવોસ્ટ ડૉ. દક્ષેશ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.
હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ ઉધના સ્થિત શહીદ સ્મૃતિવન ખાતે યોજવામાં આવ્યો હતો. જ્યાં અગ્રવાલ કૉલેજ તેમજ કવિ શ્રી ઉશનશ્ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. દક્ષેશ ઠાકરે વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણની મહત્તા વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેમણે ગ્રીનમેન વિરલ દેસાઈની પર્યાવરણીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તો ‘પ્રોજેક્ટ સુરત’ સંસ્થાના આકાશ બંસલ તેમજ ડૉ. સિદ્ધેશ રાજાધ્યક્ષે પ્રદૂષણની સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે સેમિનાર કન્ડક્ટ કર્યો હતો.
આ પ્રસંગે પર્યાવરણવાદી તેમજ ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘પર્યાવરણ સંરક્ષણને આજે સૌથી વધુ પ્રતિબદ્ધતા અને સજ્જતાની જરૂર છે. અને એ માટે આપણે પર્યાવરણને જીવનની તમામ બાબતો અને પ્રસંગો સાથે સાંકળવા પડશે.’ તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે ‘અમૃતકાળના આ સમયમાં નવી પેઢીને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવી એ પ્રાથમિક્તા છે અને એ માટે હું હંમેશાં તત્પર રહીશ.’
કાર્યક્રમના અંતમાં અગ્રવાલ કૉલેજના એનસીસીના કેડેટ્સ દ્વારા શહીદ સ્મૃતિ સ્મારક ખાતે પરેડ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. તેમજ વિદ્યાર્થીઓને અર્બન ફોરેસ્ટની મુલાકાત કરાવીને શહેરોમાં અર્બન ફોરેસ્ટને જરૂરિયાત વિશેની સમજણ આપવામાં આવી હતી.