પારૂલ યુનિવર્સિટીએ સુરત, રાજકોટ અને અમદાવાદમાં સ્ટાર્ટઅપ સ્ટુડિયો લોંચ કર્યો, ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સશક્ત કરવા કટીબદ્ધતા દર્શાવી

વડોદરા, જૂન, 2023: ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની વિશ્વભરમાં ચર્ચા થઇ રહી છે અને હજારો ઇનોવેટિવ યુવાનોએ ઉદ્યોગસાહસિક તરીકે કારકિર્દી વિકસાવવાનું પસંદ કર્યું છે. દેશની ઉભરતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં યોગદાન આપતાં પ્રતિષ્ઠિત પારૂલ યુનિવર્સિટીએ તાજેતરમાં સુરત સ્ટાર્ટઅપ સ્ટુડિયોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સુરતમાં યુનિવર્સિટીનું અત્યાધુનિક સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર અને એક્સિલરેટર છે.

 

ગુજરાત અને વડોદરામાં વિદ્યાર્થીઓના ઇનોવેશનને સાચી દિશા આપતા પારૂલ યુનિવર્સિટીએ હવે વધુ યુવાનોને મદદરૂપ બનવા રાજ્યભરમાં તેની ઉપસ્થિતિ વિસ્તારી છે. ગુજરાતના ચાર મુખ્ય શહેરોની આર્થિક વૃદ્ધિને સપોર્ટ કરતાં યુનિવર્સિટીએ રાજકોટ અને અમદાવાદમાં તેના સ્ટાર્ટઅપ સ્ટુડિયોની સ્થાપના કરી છે. અહીં ઉદ્યોગસાહસિકોને ભંડોળ એકત્ર કરવું, નેટવર્કિંગ પ્લેટફોર્મની એક્સેસ, મેન્ટરશીપ, સુરક્ષિત કો-વર્કિંગ સ્પેસ અને સ્ટાર્ટ-અપ શરૂ કરવા સહિતની તમામ તકો અને સુવિધા ઓફર કરાય છે. આ ઉપરાંત તેમણે સંભાવિત રોકાણકારોના નેટવર્કની એક્સેસની સાથે નાણાકીય સપોર્ટ પણ પૂરો પાડવામાં આવે છે. આમ સ્ટાર્ટઅપ સ્ટુડિયો ઉદ્યોગસાહસિકો માટે એક આદર્શ પ્લેટફોર્મ બન્યું છે.

 

સુરત સ્ટાર્ટ-અપ સ્ટુડિયો દ્વારા યુનિવર્સિટી શહેરના યુવાનોની ઉદ્યોગ સ્થાપવાની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં સપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે પારૂલ યુનિવર્સિટીના ઇન્ક્યુબેટર્સ અને એક્સિલરેટર્સે અત્યાર સુધીમાં સફળતાપૂર્વક 180 સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટ કર્યાં છે. વધુમાં, ગુજરાત સરકારના એસએસઆઇપી અન આઇ-હબ ગુજરાત પહેલ હેઠળ 124 ઇનોવેટર્સની ટીમને કુલ રૂ. 90 લાખથી વધુની ગ્રાન્ટ ફાળવાઇ છે. છેલ્લાં થોડાં વર્ષોમાં યુનિવર્સિટીએ 41,321થી વધુ વિદ્યાર્થીઓને સ્ટાર્ટ-અપ્સ વિશે જાણકારી આપી છે અને તેમાંથી 180થી વધુ સ્ટાર્ટ-અપ્સની રચના થઇ છે, જે દેશ અને રાજ્યના અર્થતંત્રમાં મૂલ્યવાન યોગદાન આપતાં 1,100થી વધુ લોકોને રોજગાર પ્રદાન કરે છે.

 

સ્ટાર્ટ-અપ્સ દ્વારા સંયુક્તપણે રૂ. 30 કરોડની જંગી આવકનું સર્જન થયું છે, જે અમારા માટે ગૌરવની વાત છે. પારૂલ યુનિવર્સિટીએ સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરવા રૂ. 8.6 કરોડની નાણાકીય સહાયની જોગવાઇ કરી છે. આ રકમનો ઉપયોગ કોન્સેપ્ટ વેલિડેશન, પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ અથવા પ્રોડક્ટ ટ્રાયલ્સ માટે કરાશે. આ ઉપરાંત માર્કેટ એન્ટરન્સ અને કમર્શિયલાઇઝેશન માટે રૂ. 50 લાખનું રોકાણ કરાશે તેમજ કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, ડેટ અથવા ડેટ-લિંક્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા ભંડોળ ઉભું કરવા માટે પણ સહયોગ કરાશે.

 

પારૂલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે,એક સંસ્થા તરીકે અમારો ઉદ્દેશ્ય ઉભરતાં ઉદ્યોગસાહસિકોને પોષણ, સપોર્ટ અને તકો પ્રદાન કરવાનો છે અને યુનિવર્સિટીમાં ઇનક્યુબેટ કરાયેલા સ્ટાર્ટ-અપ્સની સફળતા ઉપર અમને ગર્વ છે. અમે ભારતની નવી પેઢીના સ્ટાર્ટ-અપ્સને આગળ વધારવા જરૂરી તમામ માર્ગદર્શન અને સપોર્ટ કરવા કટીબદ્ધ છીએ.