સ્વતંત્રતા દિવસ આયોજિત કાર્યક્રમોમાં શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા
સુરત. દેશભરમાં 15મી ઓગષ્ટ ના રોજ 77માં સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આ અવસરે શહેરમાં ઠેક ઠેકાણે ધ્વજવંદન સાથે જ વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોઝ બડ્સ સ્કૂલ ખાતે આયોજિત સ્વતંત્રતા દિવસ સહિત વિભિન્ન કાર્યક્રમોમાં શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હિતેશ વિશ્વકર્મા પણ સામેલ થયા હતા. તેમને તિરંગો ઝંડો ફરકાવવાની સાથે જ બાળકોને માર્ગદર્શન પણ આપ્યું હતું.
રોઝ બડ્સ સ્કૂલ ખાતે શ્રી હિતેશ વિશ્વકર્માના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓએ પોતાના ઉદ્બોધનમાં શાળાના સૌ બાળકો, વાલીઓ અને શાળાના સ્ટાફને સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. સાથે જ કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અને મેરી માટી, મેરા દેશ જેવા અભિયાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ પહેલા સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિનની ઉજવણી સ્કૂલ અને સરકારી કાર્યાલયો પૂરતી મર્યાદિત હતી, પરંતુ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સત્તા સાંભળ્યા બાદ તેમના દ્વારા સામાન્ય નાગરિકોને પણ આ ઉજવણી સાથે જોડવામાં આવ્યા છે. કાયદામાં સુધારો કરીને આજે દરેક નાગરિક પોતાના ઘરે તિરંગો લહેરાવી શકે છે.
આ કાર્યક્રમ બાદ તેઓ ડિંડોલી સ્થિત ઓલ્ડ એજ હોમ ખાતે આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. ત્યારબાદ ગોડાદરા વિસ્તારમાં જલારામ મિત્ર મંડળ દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.