ઈચ્છાપૂર્તિ ગણપતિ તરીકે વિખ્યાત અલથાણના મન્નત કા રાજા આ વખતે જયપુરના શીશ મહેલની થીમ પર બનેલા પંડાલમાં થયા વિરાજમાન
સુરત. માત્ર સુરત જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ઈચ્છાપૂર્તિ ગણપતિ બાપ્પા તરીકે વિખ્યાત અલથાણના ગણપતિ મન્નત કા રાજા માટે આ વખતે ખાસ જયપુરના શિશમહેલની થીમ પર આકર્ષક અને સુંદર પંડાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
અલથાણ સ્થિત સાંઈરામ યુવક મંડળ દ્વારા સતત 25માં વર્ષે અલથાણ વેજીટેબલ માર્કેટ પાસે અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મંડળના કમલ મેવાવાળાએ જણાવ્યું હતું કે મંડળ દ્વારા દર વર્ષે વિવિધ થીમ પર પંડાલનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે આ વખતે જયપુર ના શિષમહેલની થીમ પર 60 બાય 120 ફૂટના વિશાળ પંડાલ નું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં વિરાજમાન ગણપતિ બાપ્પા ભક્તો માટે એક આસ્થાનું સ્થાન છે. ગણપતિ બાપ્પાની પ્રતિમાના કાનમાં કહેવાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે એવી આસ્થા ભક્તોમાં છે અને એટલે જ અહીં ના ગણપતિને મન્નત કા રાજા તરીકે ઓળખાય છે. ગણેશ ઉત્સવના દસે દસ દિવસ ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. આ વખતે પણ પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ભક્તો બાપ્પા ના દર્શન માટે ઉમટી પડ્યા છે અને પોતાની ઈચ્છાપૂર્તિ માટેની કામના કરી રહ્યા છે. મંડળ દ્વારા પણ આ ધાર્મિક ઉત્સવ ધાર્મિક ઉજવણી સાથે સમાજિક કાર્યોની ઉજવણીનો મહોત્સવ બની રહે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. દસ દિવસ દરમિયાન રક્તદાન શિબિર, નોટબુક વિતરણ, વીર શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા સહિતના કાર્યક્રમો યોજાશે. સાથે જ સંસ્કૃતિ કાર્યક્રમો, ભજન સંધ્યા, મહા આરતી અને કોમી એકતા આરતી જેવા વિશેષ આયોજન પણ કરવામાં આવશે. રોજ રાત્રે સાડા આઠ વાગે ઓરક્રેસ્ટા ભગવાન ગણેશજીની આરતી થાય છે. સાથે જ મીઠા ફળ પ્રસાદી રૂપે આપવામાં આવે છે. દસ દિવસની ભક્તિ આરાધના બાદ અનંત ચતુર્દશી ના રોજ સવારે દસ વાગે અલથાણ થી હજીરા સુધી ભવ્ય વિસર્જન યાત્રા કાઢી દુંદાળા દેવને વિદાય આપવામાં આવશે.
વધુમાં જણાવ્યું હતું કે અલથાણ ના મન્નત કા રાજા ના દર્શન માટે દર વર્ષે સામાન્ય ભક્તો સાથે જ રાજ્યના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પણ અહીં પધારે છે. વર્ષ 2010 અને 2011માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ત્યારબાદ વર્ષ 2014માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદી બેન પટેલ, વર્ષ 2016માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી, વર્ષ 2021માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી પ્રદીપ સિંહ જાડેજા, આર સી ફળદુ, પુરુષોત્તમ રૂપાલા દુંદાળા દેવ એવા અલથાણ ના મન્નત કા રાજા ના દર્શન માટે પધારી ચૂક્યા છે.