ખાડી પૂર દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ જુનિયર ઇજનેર નીરવ પટેલનું સન્માન

સુરત, તા. 15: સુરતમાં તાજેતરમાં સર્જાયેલી ખાડી પૂર જેવી વિકટ પરિસ્થિતિ દરમિયાન બચાવ અને રાહત કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તથા વિવિધ સંસ્થાઓનું જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે ઉમરા ખાતે આવેલા એસએમસી પાર્ટી પ્લોટમાં યોજાયેલા સમારોહમાં સુરત મહાનગરપાલિકાના ઉધના-એ ઝોનના જુનિયર ઇજનેર નીરવ પટેલનું પણ સન્માન કરાયું હતું.

રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નીરવ પટેલને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ ખાડી પૂર દરમિયાન તેમણે બજાવેલી જવાબદારી અને બચાવ-રાહત કામગીરીની પ્રશંસા કરી હતી.

સુરતમાં ખાડી પૂર દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા નીરવ પટેલે રેસ્ક્યૂ ટીમ તેમજ વિવિધ વિભાગો સાથે અસરકારક સંકલન કરી બચાવ અને રાહત કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના કાર્યક્ષેત્રમાં સંભવિત જાનમાલના નુકસાનને અટકાવવા માટે તેમણે સતત કામગીરી કરી હતી.

ખાડી પૂર જેવી કટોકટીની સ્થિતિમાં ફરજ પ્રત્યેની નિષ્ઠા, ત્વરિત નિર્ણયશક્તિ અને વિવિધ ટીમો વચ્ચેના સંકલન બદલ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા નીરવ પટેલની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લેવામાં આવી હતી. આ કામગીરીને બિરદાવવા માટે સ્વાતંત્ર્ય દિવસના જિલ્લા કક્ષાના સમારોહમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.