સુરતમાં JOGI આયુર્વેદ દ્વારા 1 લાખ ચોરસ ફૂટની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ
50 બેડની સુવિધા સાથે આયુર્વેદિક કન્સલ્ટેશન, પંચકર્મ, દાખલ થઈને સારવાર મેળવવાની સુવિધા અને વેલનેસ સેવાઓ એક જ સ્થળે
સુરત, 18 ઑક્ટોબર: આયુર્વેદ ક્ષેત્રે જાણીતા જોગી (JOGI) આયુર્વેદ દ્વારા સુરતમાં મલ્ટિ-સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. એક જ સ્થળે સારવાર, નિદાન અને વેલનેસ સેવાઓ ઉપલબ્ધ કરાવતી આ હોસ્પિટલ 1 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. જોગી આયુર્વેદ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ (JOGI Ayurved Multispeciality Hospital) ગુજરાતની સૌથી મોટી આયુર્વેદિક હોસ્પિટલની હરોળમાં શામેલ છે. અહીં સ્થાનિક સ્તરે રૂબરૂ સેવાઓ ઉપરાંત ડિજિટલ કન્સલ્ટેશન દ્વારા ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન અને કેનેડા સહિતના દેશોમાં પણ સેવાઓ પૂરી પાડવામાં આવશે.
હોસ્પિટલનું ઉદ્ઘાટન છારોડી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP)ના પ્રમુખ માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા કરાયું જ્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી.
હોસ્પિટલમાં દર્દીઓ માટે દાખલ થઈ સારવાર મેળવી શકાય તેવા 50 બેડ અને 10થી વધુ સ્પેશિયાલિટી ઓપીડીની સેવાઓ છે. અહીં આયુર્વેદિક કન્સલ્ટેશન, પંચકર્મ થેરાપી, દાખલ થઈને સારવાર અને વેલનેસ પ્રોગ્રામ્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત ફિઝિયોથેરાપી, લેબોરેટરી સેવાઓ, હોસ્પિટલની પોતાની ભોજનશાળામાં દરેક દર્દીની જરૂરિયાત મુજબ આયુર્વેદના સિદ્ધાંતો આધારિત વિશેષ આહાર, આહાર માર્ગદર્શન અને સ્વાસ્થ્ય માર્ગદર્શન, ચોક્કસ મેડિકલ કન્ડિશન્સ માટે આયુર્વેદિક ઓપરેશન્સ, ઑનલાઇન કન્સલ્ટેશન અને ઘરે દવાઓ પહોંચાડવાની સુવિધા જેવી તમામ સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી છે.
હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ પાચનતંત્ર, સ્કીન એન્ડ હેરકેર, કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી, ઇએનટી, યુરોલોજી, સ્પાઇન કેર અને પેઇન મેનેજમેન્ટ સહિતની વિવિધ સ્પેશિયાલિટી સેવાઓ આપશે.
આ પ્રસંગે જોગી આયુર્વેદના સ્થાપક નિલેશ જોગલે કહ્યું હતું કે, “અમે 2005માં શરૂઆત કરી ત્યારથી જ ‘Authentic Ayurved for Everyone’ના અમારા અભિગમને અનુરૂપ વધુમાં વધુ લોકો સુધી આયુર્વેદ પહોંચાડવાનો અમારો ઉદ્દેશ રહ્યો છે. નવી હોસ્પિટલ અમારી સફરનો નવો અધ્યાય છે. આ વિશાળ અને ખાસ ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવેલી હેલ્થકેર સુવિધા દ્વારા અમે દર્દીઓને વધુ બહોળી સુવિધાઓ પૂરી પાડી શકીશું.”

આયુર્વેદમાં એમ.ડી., ગોલ્ડ મેડાલિસ્ટ અને 23 વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં ડૉ. દેવાંગી જોગલે જણાવ્યું હતું કે, “દરેક દર્દીની હેલ્થ હિસ્ટ્રી, જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ અલગ હોય છે. અમારી પદ્ધતિમાં દર્દીની વ્યક્તિગત જરૂરિયાતોને સમજવા અને તે મુજબ સલાહ આપવા પર ભાર મૂકવામાં આવે છે. આ માટે આયુર્વેદના સિદ્ધાંતો સાથે ફિઝિયોથેરાપી, નિદાન માટેની તબીબી તપાસ અને દર્દીની જરૂરિયાત મુજબ આયુર્વેદના સિદ્ધાંતો આધારિત વિશેષ આહાર અને આહાર માર્ગદર્શન જેવી સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ હોવાથી દર્દીઓ માટે સારવાર મેળવવાનું વધુ સરળ બને છે.”
નવી હોસ્પિટલમાં આયુર્વેદિક સારવારની સાથે રોગપ્રતિકાર અને સ્વાસ્થ્ય જાળવણીની સેવાઓનો પણ વ્યાપ વધારાયો છે. અહીં આયુર્વેદ, રોગપ્રતિકાર અને સ્વાસ્થ્ય જાળવણી અને સ્વસ્થ જીવનશૈલી પર આધારિત મુલાકાતીઓની સક્રિય ભાગીદારીવાળું પ્રદર્શન પણ તૈયાર કરવામાં આવ્યું છે.
લોકો અહીં નિઃશુલ્ક પ્રકૃતિ પરીક્ષણ કરાવી શકશે. ‘તમે કેટલા સ્વસ્થ છો?’ ક્વિઝ દ્વારા વ્યક્તિગત હેલ્થ સ્કોરકાર્ડ મેળવી શકશે અને દૈનિક જીવનની એવી આદતો વિશે જાણી શકશે, જે આરોગ્યને લગતી વિવિધ સમસ્યાઓને અટકાવવા અને શરીરની જૈવિક ઘડિયાળને યોગ્ય રીતે સક્રિય રાખવામાં મદદરૂપ થઈ શકે છે.
આ પ્રદર્શનમાં AI દ્વારા તૈયાર કરવામાં આવેલા શૈક્ષણિક વીડિયો, ખોરાક અને આરોગ્ય વચ્ચેના સંબંધને સમજાવતાં પાકશાસ્ત્રનાં પ્રદર્શન તથા ઔષધિ વિતરણનો સમાવેશ થાય છે. આ પહેલનો ઉદ્દેશ મુલાકાતીઓને માત્ર સારવાર પૂરતું સીમિત ન રહેતાં આયુર્વેદને વધુ વ્યાપક રીતે સમજવાની અને રોજિંદા જીવનની ટેવો લાંબા ગાળાની તંદુરસ્તીમાં કેવી રીતે યોગદાન આપી શકે તે જાણવાની તક પૂરી પાડવાનો છે.
જોગી આયુર્વેદ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સુરતના જહાંગીરપુરામાં ઇસ્કોન મંદિર નજીક આવેલી છે.