ગ્રીનમેન વિરલ દેસાઈએ સતત ત્રીજી વખત રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કાર જીત્યો!

નવી દિલ્હી: ગુજરાતના જાણીતા પર્યાવરણવિદ અને ઉદ્યોગપતિ વિરલ સુધીરભાઈ દેસાઈને નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કાર (NECA)થી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રી દેસાઈએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો.

ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષામાં તેમના અસાધારણ યોગદાન બદલ આ તેમનો સતત ત્રીજો ગોલ્ડન ટ્રોફી અને કુલ છઠ્ઠો રાષ્ટ્રીય પુરસ્કાર છે. “ગ્રીનમેન” તરીકે જાણીતા વિરલ દેસાઈની કંપની ઝેનિટેક્સે ઊર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણ માટે અદ્યતન પદ્ધતિઓ અપનાવવા બદલ રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી છે. નોંધનીય છે કે તેમણે આ પુરસ્કાર માટે દેશની અગ્રણી ટેક્સટાઇલ કંપનીઓ સાથે સફળતાપૂર્વક સ્પર્ધા કરી હતી.

તેમના પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતા મર્યાદિત નથી. વિરલ દેસાઈએ અત્યાર સુધીમાં ગુજરાતમાં સાત સુંદર અર્બન ફોરેસ્ટ વિકસાવ્યા છે, જે શહેરી વિસ્તારોમાં હરિયાળી વધારવામાં અને જૈવવિવિધતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ સિદ્ધિ પર પોતાનો આનંદ વ્યક્ત કરતા વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘આ પુરસ્કાર માત્ર મારા માટે કે મારી કંપની માટે નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યે સમર્પિત દરેક વ્યક્તિ માટે છે. ઊર્જા સંરક્ષણ સમયની તાતી જરૂરિયાત છે, અને પર્યાવરણને બચાવવાનો મારો સંકલ્પ વધુ મજબૂત થશે. આ સન્માન મને ‘સ્વચ્છ અને હરિયાળા’ ભવિષ્ય તરફ કામ કરવા માટે વધુ પ્રેરિત કરે છે.’

તેમને વર્ષ ૨૦૧૯, ૨૦૨૨ અને આ વખતે ૨૦૨૫ એમ સતત ત્રીજી ગોલ્ડન ટ્રોફી એનાયત થઈ છે. તો સતત બીજી વખત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ એનાયત થયો છે. તેમની આ સિદ્ધિથી સુરત તેમજ સમગ્ર ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે.