ગજેરા ગ્લોબલ સ્કૂલ દ્વારા ત્રિદિવસીય ‘IIMUN સુરત ૨૦૨૪’ કોન્ફરન્સનું આયોજન

સુરત: ગજેરા ટ્રસ્ટ અને સુનિતાઝ મેકર્સ સ્પેસના સહયોગથી ગજેરા ગ્લોબલ સ્કૂલ સુરત ખાતે IIMUN – સુરત 2024 કોન્ફરન્સનું આયોજન 26 થી 28 એપ્રિલ 2024 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સ કરવા પાછળ ગજેરા ટ્રસ્ટ અને સુનિતાઝ મેકર્સ સ્પેસ નો આશય યુવાનોને એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે કે જ્યાં બાળક વિચારે, રિસર્ચ કરે, ડિબેટ કરે અને બીજાના વિચારોનો સ્વીકાર કરી શકે તે પ્રકારનું વાતાવરણ આપવું અને બાળકોને વૈશ્વિક કક્ષાએ લીડરશીપ ના ગુણો નાનપણથી કેળવાય તે માટેની પૂરતી તકો પૂરી પાડવી.

IIMUN – સુરત 2024 કોન્ફરન્સનું ઉદ્ઘાટન 26 એપ્રિલ ના રોજ ચાર વાગ્યે સંજીવ કુમાર ઓડિટોરિયમ માં કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન અને વક્તા ડો. આર. ચિદમ્બરમ કે જેઓ દેશના જાણીતા વૈજ્ઞાનિક અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના પ્રેસિડેન્ટ છે, તેમણે વિકસિત ભારતની પરિકલ્પના કરી બાળકોને વૈજ્ઞાનિક અભિગમ અંગે સમજ પૂરી પાડતું અદભુત વક્તવ્ય રજૂ કર્યું હતું. તેવા જ બીજા મુખ્ય મહેમાન અને જાણીતા સંગીતકાર શ્રી લેસ્લી લેવીસ એ લાઈવ પરફોર્મન્સ દ્વારા બાળકોને મંત્રમુગ્ધ કરી ઉત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે ચેમ્બર ઓફ કોમર્સ સુરતના પ્રેસિડેન્ટ શ્રી રમેશભાઈ વઘાસિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. આ સિવાય યંગેસ્ટ ફિમેલ પાયલટ કુમારી મૈત્રી પટેલ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરાએ ઉપસ્થિત તમામ મહેમાનોને આવકાર્યા હતા.

સુનિતાઝ મેકર્સ સ્પેસના ફાઉન્ડર કુમારી કિંજલ ચુનીભાઇ ગજેરા એ જ્યારે 2015 માં મેકર્સ સ્પેસની સ્થાપના કરી ત્યારથી જ આ સંસ્થાનું વિઝન અને મિશન હતું કે યંગ ઇનોવેટર અને ગ્લોબલ લીડર તૈયાર કરવા માટે એક એવું પ્લેટફોર્મ ઊભું કરવું જ્યાં બાળકોને પૂરતું માર્ગદર્શન, સુવિધાઓ અને પોતાને પ્રસ્તુત કરવાની સ્પેસ મળે. IIMUN કોન્ફરન્સ પણ તેનો જ એક ભાગ છે. તારીખ 27 અને 28 એપ્રિલ દરમિયાન ગજેરા ગ્લોબલ સ્કૂલ, પાલ ખાતે સવારે 9 થી સાંજે 7 ના સમય દરમિયાન બે દિવસીય કોન્ફરન્સ ચાલી હતી. કોન્ફરન્સ દરમિયાન કુલ ૩૦ કરતાં વધારે શાળાઓના 500 કરતાં વધારે ડેલિગેટસે ભાગ લીધો હતો આ કોન્ફરન્સ દરમિયાન ૩૪ જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર દેશના વિવિધ રાજ્યોમાંથી પધાર્યા હતા. આ કોન્ફરન્સમાં કુલ ૧૭ કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે લોકસભા, નીતિ આયોગ,UNSC,UNEP,IPL જેવી અનેક કમિટીઓ માં ડેલિગેટ દ્વારા પોતાના વિચારોની જોરદાર રજૂઆત કરવામાં આવી હતી અને ડિબેટ કરી હતી. 28 એપ્રિલ સાંજે 5:00 વાગે કોન્ફરન્સ નો સમાપન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં SVNIT- SURAT ના ડિરેક્ટર ડો. અનુપમ શુક્લા વિશેષ ઉપસ્થિત રહી બાળકોને ઉત્સાહિત કર્યા હતા. સમાપન સમારંભમાં તમામ કમિટીના પ્રથમ ત્રણ વિજેતા ડેલિગેટસ ને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં જ્યારે ‘IIMUN સુરત 2024’ ની વિનર્સ ટ્રોફી ગજેરા ગ્લોબલ સ્કૂલને એનાયત કરવામાં આવી હતી. ગજેરા ટ્રસ્ટે બાળકોને અભિનંદન આપી ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.