સુરતની પ્રગતિમાં ઉદ્યોગસાહસિકોની મોટી ભૂમિકા, નવી ઔદ્યોગિક નીતિઓનો વધુમાં વધુ લાભ લો: હર્ષ સંઘવી
- બીએનઆઈના 10મા બિઝનેસ કોન્ક્લેવમાં ઉપસ્થિત રહ્યા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી, 55થી વધુ શહેરો અને બે દેશોના પ્રતિનિધિઓ જોડાયા
સુરત. ઔદ્યોગિક નગરી સુરતમાં બીએનઆઈ સુરત ચેપ્ટર દ્વારા આયોજિત બે દિવસીય 10મા બિઝનેસ કોન્ક્લેવનો શનિવારે સરસાણા ડોમ ખાતે પ્રારંભ થયો. કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને ઉદ્યોગસાહસિકોને રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતમાં સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર, જીસીસી (ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર) અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં ઝડપથી રોકાણ આવી રહ્યું છે. છેલ્લા છ મહિનામાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ઓસેટની ચાર એકમોનું લોકાર્પણ થયું છે, જેના કારણે ઉદ્યોગો માટે નવી તકો ઉભી થઈ રહી છે. તેમણે જણાવ્યું કે ઉદ્યોગસાહસિકોએ સરકારની નવી નીતિઓનો અભ્યાસ કરીને તેનો લાભ લઈ પોતાના વ્યવસાયનો વધુ વિકાસ કરવો જોઈએ.
તેમણે જણાવ્યું કે ટેક્સટાઇલ નીતિ સહિત વિવિધ ઔદ્યોગિક નીતિઓમાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે, જેનો સીધો લાભ ઉદ્યોગ જગતને મળશે. બીએનઆઈ જેવા મંચ સહયોગ, નેટવર્કિંગ અને સામૂહિક વિકાસની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. સુરતની પ્રગતિ અહીંના ઉદ્યોગસાહસિકોના હાથમાં છે અને સૌએ સાથે મળીને શહેર તેમજ રાજ્યના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.

આ પ્રસંગે બીએનઆઈ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ સિંધવીએ જણાવ્યું કે વર્ષ 2016માં સુરતમાં બીએનઆઈની શરૂઆત થઈ હતી અને આજે તે વ્યાવસાયિક નેટવર્કિંગનું મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. સંરચિત નેટવર્કિંગ દ્વારા હજારો ઉદ્યોગસાહસિકોએ પોતાના વ્યવસાયનો વિસ્તાર કર્યો છે. દસમા વર્ષમાં પ્રવેશ કરેલો આ કોન્ક્લેવ અગાઉની સરખામણીએ વધુ ભવ્ય અને વ્યાપક સ્વરૂપમાં યોજાયો છે.
તેમણે જણાવ્યું કે બે દિવસીય કોન્ક્લેવમાં દેશના 55થી વધુ શહેરોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. બીએનઆઈ સુરતના 2,000થી વધુ સભ્યો, શહેરના 3,000થી 4,000 ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં વ્યવસાયીઓ અને મુલાકાતીઓ તેમાં જોડાઈ રહ્યા છે. બીએનઆઈ 86 દેશોમાં કાર્યરત હોવાથી આ વખતે બે દેશોના પ્રતિનિધિઓ પણ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. કોન્ક્લેવમાં રિટેલ, બી-ટુ-બી, બી-ટુ-સી, મોટા ઉદ્યોગો તેમજ બિલ્ડર્સ સહિત વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમ સ્થળે 100થી વધુ બિઝનેસ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે.
ગૌરવ સિંધવીએ જણાવ્યું કે આજના સ્પર્ધાત્મક યુગમાં બીએનઆઈ સહયોગ અને ભાઈચારાની ભાવના સાથે વ્યવસાયને આગળ વધારવાનું અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. બે દિવસીય કોન્ક્લેવ દરમિયાન વેપાર, નેતૃત્વ અને વ્યક્તિગત વિકાસ સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત વક્તાઓ પોતાના અનુભવો પણ શેર કરશે.