વલસાડ જિલ્લાનાં એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલની ઝળહળતી સિદ્ધિ

(વર્ષ 2023 નાં વલસાડ જિલ્લાનાં શ્રેષ્ઠ ઈનોવેટીવ ટીચર તરીકે અશ્વિન ટંડેલ પ્રથમ ક્રમે)

ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (જીસીઈઆરટી), ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ આયોજિત જિલ્લા કક્ષાનો આઠમો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ વલસાડનાં પારનેરા પારડી ડાયટ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષકોને પ્રોત્સાહિત કરવા જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની તથા આઈ.એ.એસ. નીશા ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભે ડાયટની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગતગીત રજૂ કરવામાં આવ્યા હતાં. પ્રાચાર્ય ડો.વર્ષાબેન કાપડીયા દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીઆઈસી મહેન્દ્રભાઈ પટેલે ઈનોવેશન ફેસ્ટિવલની રૂપરેખા આપી હતી. કલેકટર ક્ષિપ્રા આગ્રેએ ઈનોવેશનનાં પ્રાથમિક વિભાગને જ્યારે આઈ.એ.એસ. નીશા ચૌધરીએ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગને રિબિન કાપી ખુલ્લો મૂક્યો હતો. સદર ફેસ્ટિવલમાં 42 પ્રાથમિક શિક્ષકો અને 5 માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોએ પોતાનું ઈનોવેશન રજૂ કર્યું હતું. જેને મોટી સંખ્યામાં જિલ્લાની વિવિધ શાળાનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ નિહાળ્યું હતું.


આ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ નીવડેલા પ્રાથમિક કક્ષાનાં ત્રણ ઈનોવેશન પૈકી પ્રથમ ક્રમે આવેલ સુરત રન એન્ડ રાઇડર ગૃપનાં સક્રિય દોડવીર અશ્વિન ચીમનલાલ ટંડેલ (પ્રા.શાળા દેગામ તા.વાપી) પોતાનાં વિષય અભિવ્યક્તિની અવ્વલ અભિલાષા FLN આધારિત સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, લોક સહયોગ અને બાળકેન્દ્રી શિક્ષણ આધારિત પ્રવૃત્તિ વિષય ક્ષેત્રે રાજ્ય કક્ષાનાં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લઈ વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ સાથે બાળકોને રાષ્ટ્રીય રમત હોકી, આર્ચરી, સ્કેટિંગ અને પર્વતારોહણનાં પાઠ ભણાવનાર આ શિક્ષકનાં નોંધપાત્ર કાર્યોને જિલ્લાનાં શિક્ષણ આલમે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં. બાળકોને શિક્ષણની સાથોસાથ કેળવણી આપવાની અનેરી કામગીરી કરતાં આ કર્તવ્યનિષ્ઠ શિક્ષકને રાજ્ય કક્ષાએ પોતાનો પ્રયોગ રજૂ કરવાની તક મળી છે જે સરાહનીય બાબત છે.
સમાપન સમારોહમાં સર્વશ્રી પારનેરા પારડીનાં સરપંચ સુરેખાબેન મેનન, ડાયટ પ્રાચાર્ય ડો. વર્ષાબેન કાપડીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ ગોકુળભાઈ, શૈક્ષિક સંઘનાં અધ્યક્ષ રામુભાઈ તથા જિલ્લાના તમામ તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટરો ઉપસ્થિત રહ્યાં હતાં.