જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, સુરત પ્રેરિત દ્વિદિવસીય સામાજિક વિજ્ઞાન વિષયનાં કઠિન બિંદુઓનો તાલીમ વર્ગ બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા અત્રેનાં બી.આર.સી.ભવન, ઓલપાડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં સામાજિક વિજ્ઞાન વિષય લેતાં 58 જેટલાં શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો.
સદર તાલીમ વર્ગમાં રિસોર્સ પર્સન એવાં તેજસ નવસારીવાલા (સી.આર.સી. કો-ઓર્ડિનેટર, સાંધિયેર), જાગૃતિ પટેલ (પરીયા પ્રાથમિક શાળા), પ્રિયંકા પટેલ (ટકારમા પ્રાથમિક શાળા), ચેતના ઠાકોર (દાંડી પ્રાથમિક શાળા) તેમજ કિશોર વાંસડીયા (કીમ પ્રાથમિક શાળા) દ્વારા વર્ગખંડમાં બાળકો સામાજિક વિજ્ઞાન વિષયનાં કઠિન બિંદુઓને સરળ અને સહજ રીતે સમજી શકે તે અંગે પ્રવૃત્તિમય અને ટેકનોલોજીયુક્ત માહિતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તાલીમ તજજ્ઞ તેજસ નવસારીવાલાનાં માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓ દ્વારા અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી હતી.
આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત સૌ તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતાં. તાલીમ વર્ગમાં તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રિ-ટેસ્ટ તથા પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.