સુરતના શિવમ જ્વેલ્સ ની વૈશ્વિક મંચ પર મોટી સિદ્ધિ, ડીટીસી સાઈટ હોલ્ડર તરીકે પસંદગી

૯ વર્ષ બાદ નવી નિમણૂકમાં સ્થાન મેળવનાર કંપની, હીરા ઉદ્યોગને મળશે નવી દિશા

સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં સ્થિત શિવમ જ્વેલ્સ કંપનીએ હીરા ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. કંપનીના સંચાલક ઘનશ્યામ ભાઈ માવજીભાઈ શંકરની આગેવાની હેઠળ શિવમ જવેલ્સને ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) દ્વારા ‘સાઈટ હોલ્ડર’ તરીકે પસંદ કરવામાં આવી છે. નોંધનીય છે કે લગભગ ૯ વર્ષના લાંબા સમય બાદ ડીટીસી દ્વારા નવી સાઈટ હોલ્ડરની નિમણૂક કરવામાં આવી છે, જેમાં સુરતની આ કંપનીએ સ્થાન મેળવ્યું છે.

શિવમ જેમ્સ, ગોતાલાવાડી સર્કલ પાસે વસ્તાદેવડી રોડ પર કાર્યરત છે અને નેચરલ ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં અગ્રણીઓમાંની એક કંપની ગણાય છે. કંપની કાચા હીરાનો આયાત કરી અહીં પ્રોસેસિંગ કરીને તૈયાર માલ બનાવે છે, જેમાંથી લગભગ ૯૦ ટકા નિકાસ કરવામાં આવે છે જ્યારે ૧૦ ટકા સ્થાનિક બજારમાં વેચાય છે.

કંપનીની ક્ષમતાની વાત કરીએ તો હાલ શિવમ જ્વેલ્સ માં આશરે ૧,૯૫૦ કર્મચારીઓ કાર્યરત છે અને તેનું વાર્ષિક ટર્નઓવર લગભગ ૨,૭૦૦ કરોડ રૂપિયા છે. ડીટીસી સાઈટ હોલ્ડર બનવાથી હવે કંપનીને સીધો કાચો માલ મળશે, જેના કારણે ઉત્પાદન અને નિકાસ બંનેમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આ સાથે સુરતના હીરા ઉદ્યોગને પણ નવી ગતિ મળશે.

ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) ડી બીયર્સ ગ્રુપનો એક ભાગ છે, જે લગભગ ૧૩૦ વર્ષ જૂની વૈશ્વિક સંસ્થા છે. ડીટીસી વિશ્વભરના પસંદગીના સાઈટ હોલ્ડર્સને દર મહિને કાચા હીરા સપ્લાય કરે છે. અગાઉ તેનું મુખ્ય મથક લંડનમાં હતું, પરંતુ હવે તે બોત્સ્વાનામાં ખસેડવામાં આવ્યું છે. કંપની ઇઝરાયેલ, અમેરિકા, ભારત, શ્રીલંકા અને ચીન જેવા દેશોમાં પોતાના સાઈટ હોલ્ડર્સ ધરાવે છે.

સાઈટ હોલ્ડર બનવા માટે કંપનીનો ઇતિહાસ, કાર્યપદ્ધતિ, સતત વિકાસ અને કર્મચારીઓને મળતું સ્થિર રોજગાર જેવા માપદંડો ધ્યાનમાં લેવામાં આવે છે. શિવમ જ્વેલ્સે આ તમામ માપદંડો પર ખરા ઉતરીને આ માન્યતા પ્રાપ્ત કરી છે.

શિવમ જ્વેલ્સની સ્થાપના ૧૯૯૫માં થઈ હતી અને ૨૦૧૪થી કંપનીએ આ ક્ષેત્રમાં વિશેષ પ્રગતિ શરૂ કરી હતી. લગભગ ૧૨ વર્ષની સતત મહેનત બાદ ૨૦૨૬માં કંપનીને આ પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું છે. ઘનશ્યામભાઈ શંકર પોતે છેલ્લા ૪૦ વર્ષથી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે, જેના અનુભવ અને દૃઢ નિશ્ચયે આ સિદ્ધિને શક્ય બનાવી છે.