નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એસઆરપી ગ્રુપ-૧૮ના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ

ડીજીપી કપ આર્ચરી ટુર્નામેન્ટ – ૨૦૨૨-૨૩ ને ખુલ્લી મૂકતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે

સ્પર્ધામાં રાજ્યના અલગ અલગ રેન્જ તેમજ રાજ્ય અનામત પોલીસ દળની ટીમોના
૧૬ જેટલા તિરંદાજોએ ભાગ લીધો

રાજપીપલા, સોમવાર :- પોલીસ વિભાગ માટે ખાસ કરીને શારીરિક સૌષ્ઠવ ખૂબ જ જરૂરી હોય છે. પોલીસ ૨૪ કલાક ૩૬૫ દિવસ સમાજની સુરક્ષા માટે ખડે પગે રહે છે તેથી જ શારીરિક અને માનસિક રીતે તૈયાર રહેવું ખૂબ જ જરૂરી હોય છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા પ્રતિવર્ષ ડીજીપી કપનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આજરોજ એકતાનગર(કેવડિયા) ખાતે આવેલા એસઆરપી ગ્રુપ-૧૮ના ગ્રાઉન્ડ ખાતે ડીજીપી કપ આર્ચરી ટુર્નામેન્ટ – ૨૦૨૨-૨૩ યોજાઈ હતી. આ સ્પર્ધા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેના હસ્તે ખુલ્લી મુકાઈ હતી.

           ભારત સરકાર અને ગુજરાત સરકારની રમત-ગમત, ખેલકૂદ ક્ષેત્રને પ્રોત્સાહન પૂરું પાડવાની ખાસ પહેલ રહી છે. તેમાં પણ ભારતીય રમતોને વિશેષ મહત્વ આપવામાં આવે છે. તે પૈકીની એક એટલે તીરંદાજીની રમત. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જોવાની જવાબદારીઓનું વહન કરતા પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફિટનેસ સાથે ટીમ સ્પિરિટની ભાવના ઉદભવે તેવા શુભ આશય સાથે યોજાયેલી ડી.જી.પી. કપ ૨૦૨૨-૨૩ અંતર્ગત રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધામાં રાજ્યના અલગ અલગ રેન્જ તેમજ રાજ્ય અનામત પોલીસ દળની ટીમના ૧૬ તિરંદાજોએ ભાગ લીધો હતો.  

             રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંચ સુંબે, એસઆરપી ગ્રુપ-18 (કેવડિયા)ના સેનાપતિશ્રી એન્ડ્રુ મેકવાન, એકલવ્ય આર્ચરી એકેડેમી-નસવાડીના ફાઉન્ડર તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના આર્ચરી હેડ કોચ શ્રી દિનેશભાઈ ભીલ, એકતાનગરના નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી વાણી દૂધાત, નાયબ પોલીસ અધિક્ષકશ્રી(હેડક્વાટર) પી.એલ.પટેલ, પોલીસ-એસઆરપીના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.