સુરતમાં ‘સુરક્ષિત ગણેશ મંડળ’ ઈનિશિયેટિવને સારો પ્રતિસાદ 50થી વધુ ગણેશ મંડળોની એન્ટ્રી, ઝોનવાઈઝ ગ્રાઉન્ડ સર્વે શરૂ ફાયર સેફ્ટી, સિક્યોરિટી અને ક્રાઉડ મેનેજમેન્ટના આધારે થશે મૂલ્યાંકન

સુરત: ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા અને જાગૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી ફાયર એન્ડ સિક્યોરિટી એસોસિએશન ઓફ ઈન્ડિયા (FSAI), સુરત ચેપ્ટર દ્વારા ‘સુરક્ષિત ગણેશ મંડળ’ ઈનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત ગણેશ મંડળોમાં ફાયર સેફ્ટી, સિક્યોરિટી અને ક્રાઉડ મેનેજમેન્ટ અંગેની વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

FSAI સુરત ચેપ્ટરના પ્રેસિડેન્ટ ચિન્મય દેસાઈએ જણાવ્યું હતું કે, ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આ ઉત્સવના માધ્યમથી ફાયર સેફ્ટી અને સિક્યોરિટી અંગે જાગૃતિ વધારવાનો તેમજ સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

એવોર્ડ માટે ત્રણ મુખ્ય માપદંડ નક્કી કરાયા છે:

ફાયર સેફ્ટી: આગની સ્થિતિમાં ઉપલબ્ધ સુરક્ષા વ્યવસ્થા

સિક્યોરિટી: મંડળ ખાતે સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓ

ક્રાઉડ મેનેજમેન્ટ: ભીડના સુચારુ સંચાલન માટેની વ્યવસ્થા

આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં 50થી વધુ ગણેશ મંડળોની એન્ટ્રી મળી ચૂકી છે. વધુ મંડળો પણ જોડાય તેવી શક્યતા છે. રજિસ્ટ્રેશન બાદ FSAI દ્વારા ઝોનવાઈઝ ટીમો બનાવીને મંડળોમાં ગ્રાઉન્ડ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.

ગણેશોત્સવના 10મા અથવા 11મા દિવસે વિજેતા ગણેશ મંડળોને એવોર્ડ એનાયત કરવામાં આવશે. એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈમરજન્સી સર્વિસિસના વડા વસંત પરીખ, અનિલભાઈ બિસ્કિટવાળા, સુરત મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.