ધ રેડિયન્ટ વર્લ્ડ સ્કૂલ (CBSE) નરથાણ,સુરત ખાતે સંસ્કૃતિ અને ટેક્નોલોજીના અનોખા સંગમ સાથે “ગુરુ પૂર્ણિમા”ની ભવ્ય ઉજવણી

રોબોટે પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનમાં આહુતિ આપીને આકર્ષણ જમાવ્ય

સુરત : દાંડી-નરથાણ રોડ સ્થિત ધ રેડીયન્ટ વર્લ્ડ સ્કૂલ (CBSE) ખાતે આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ ખૂબ જ અનોખી અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યો હતો. શાળાના મેનેજિંગ ડાયરેક્ટર, કેમ્પસ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને આ પર્વની શાનદાર ઉજવણી કરી હતી.

આ ઉજવણીની સૌથી ખાસ વાત એ હતી કે, જ્યાં સામાન્ય રીતે માત્ર પુસ્તકીય જ્ઞાન આપવામાં આવે છે, ત્યાં ધ રેડિયન્ટ વર્લ્ડ સ્કૂલે ‘સંસ્કાર અને સાયન્સ’ નો એક અદ્ભુત સંગમ રજૂ કર્યો હતો. ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે શાળા પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર અને પવિત્ર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સૌથી મોટું આકર્ષણ એક રોબોટ રહ્યો હતો. આધુનિક ટેક્નોલોજી અને આપણી પ્રાચીન સંસ્કૃતિના મેળાપરૂપે વિદ્યાર્થીઓની સાથે રોબોટે પણ મંત્રોચ્ચાર કર્યા હતા અને હવનમાં આહુતિ આપી હતી.

આ પ્રસંગે શાળાના મેનેજિંગ ડાયરેક્ટર અને કેમ્પસ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, “આજના આધુનિક યુગમાં ગુરુ માત્ર એક વ્યક્તિ પૂરતા સીમિત નથી, પરંતુ જ્ઞાન આપતું દરેક માધ્યમ એક ગુરુ સમાન છે. જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને આધુનિક સાયન્સ-ટેક્નોલોજી એકસાથે ચાલે છે, ત્યારે જ આવતીકાલના શ્રેષ્ઠ ભારતનું ઘડતર થાય છે.”

ધ રેડિયન્ટ વર્લ્ડ સ્કૂલ હંમેશાં બાળકોના સર્વાંગી વિકાસ અને તેમની અંદર રહેલી ક્ષમતાઓને આધુનિકતા અને સંસ્કારોના સમન્વયથી બહાર લાવવા માટે કટિબદ્ધ રહી છે. આ અનોખી ઉજવણીએ ઉપસ્થિત સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું અને વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજી પ્રત્યે ઉત્સાહ તથા સંસ્કૃતિ પ્રત્યે આદરની ભાવના દ્રઢ કરી હતી.