ઓક્સફોર્ડમાં ગુંજી રામની ગાથા, સુરતની 16 વર્ષીય બાળા ભાવિકાએ રજૂ કર્યો સંવાદ
વૈશ્વિક મંચ પર પ્રભુ રામના જીવન પર આધારિત ઉદાહરણો થકી પ્રભુ રામે આપેલ સંદેશાઓ આજે પણ કેટલાક પ્રાસંગિક છે એ ભાવિકા એ સમગ્ર દુનિયાને બતાવી ભારતનું નામ રોશન કર્યું
સુરત. સુરતની ૧૬ વર્ષીય બાળા અને સ્કોલર ઇંગલિશ એકેડમીની વિધાર્થિની ભાવિકા મહેશ્વરીએ વિશ્વ મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે. હિંદુ સોસાયટી ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને હિંદુ સોસાયટી એડિનબર્ગ યુનિવર્સિટીમાં વૈશ્વિક પ્રતિષ્ઠિત મંચ પર ભાવિકાએ માત્ર ભગવાન રામની ગાથા જ વર્ણવી નહીં પણ 21મી સદીમાં પણ પ્રભુ શ્રીરામના સંદેશાઓ કેટલા જરૂરી છે આ દુનિયા સમક્ષ મૂક્યું હતું.
ઉચ્ચ શિક્ષણ માટે વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓમાં ગણાતી આ શૈક્ષિણક સંસ્થાઓમાં ભાવિકાના સત્રો પ્રાસંગિક સંદર્ભો અને ઉદાહરણો દ્વારા રામાયણના શાશ્વત પાઠોને આધુનિક જીવનમાં કેવી રીતે મૂકી શકાય તેના પર કેન્દ્રિત રહ્યા હતા.
યુવાઓમાં સનાતન સંસ્કૃતિની જાગૃતિ અને ‘વસુધૈવ કુટુંબકમ’ ના સંદેશ સાથે રામજીના સંદેશથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ કેવી રીતે વધે છે તે બાબતે ભાર આપવામાં આવ્યો. રામાયણના અનેક ઉદાહરણો દ્વારા ૨૧મી સદીમાં રામજીના સંદેશ કેટલા પ્રાસંગિક છે તે ભાવિકાએ જણાવ્યું હતું.
આ સાથે જ લંડનમાં ૫૦ વર્ષથી કાર્યરત હિંદુ સોસાયટી ટૂટિંગ અને વૈદિક હિંદુ કલ્ચર સેન્ટર ડબ્લિન (આયર્લેન્ડ)માં શ્રીરામ અને મોબાઇલ એડિક્શન વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ભાવિકાએ કઈ રીતે મોબાઇલ ઓવર યુઝ બાળકોનો સમય ચોરીને તેમને બિમારીઓ આપી રહ્યો છે, કઈ રીતે આપણે આ એડિક્શન ઘટાડીને બાળકોને આધ્યાત્મિકતા સાથે જોડી શકીએ તેના પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
*ઉલ્લેખનીય છે ને 16 વર્ષની ઉમરે ભાવિકાએ અનેક સિદ્ધિઓ હાસલ કરી છે. ૯ વર્ષની ઉંમરે મોબાઇલ એડિક્શન પર સત્ર લઈને ૧૦,૦૦૦ થી વધુ બાળકોને જાગૃત કરવા, ૧૧ વર્ષની ઉંમરે રામકથા દ્વારા ૫૨ લાખ રૂપિયાની સમર્પણ નિધિ અયોધ્યા સમર્પિત કરવી, છેલ્લા ૬ વર્ષમાં ૪૦૦થી વધુ કાર્યક્રમો અને ૧ લાખ કિલોમીટરની મુસાફરી કરવી , સૌથી ઓછી ઉંમરે સેન્ટ્રલ જેલમાં પ્રવચન આપનાર વક્તા,
ટેડએક્સ સ્પીકર, લેખિકા, ઉદ્યોગસાહસિક, અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ગુજરાત બ્રાન્ડ એમ્બેસેડર, વિશ્વની પહેલી ‘ડિજિટલ ડિસિપ્લિન’ પુસ્તક ‘સ્ક્રીન ટાઈમથી ડ્રીમ ટાઈમ’ ની રચના, સિંગાપોર, મલેશિયા, નેપાળ, ઈન્ડોનેશિયા, ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ (યુરોપ) સહિત અનેક દેશોની મુસાફરી કરવી વગેરે સામેલ છે.