આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને લિયો સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ દ્વારા ‘કોમર્સ મોડ્યુલ એક્ઝિબિશન 2026’નું આયોજન

સુરત : વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ પૂરતું મર્યાદિત ન રાખી, તેમને વ્યવહારુ જ્ઞાન અને અનુભવ આધારિત શિક્ષણ સાથે જોડવાના હેતુથી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સ તથા લિયો સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ દ્વારા *‘કોમર્સ મોડ્યુલ એક્ઝિબિશન 2026’*નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ વાલીમિત્રો અને સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા દીપ પ્રજ્વલિત કરી કરવામાં આવી. તદુપરાંત બાળકોને કોમર્સ અને સાયન્સ સંબંધિત વિષયો શીખવવાનો હેતુ સમજાવવા માં આવ્યો. વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી જ્યાં અનુભવ એજ સાચું શિક્ષણ છે એવા વિચારો સાથે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે એવો વિચાર બાળકો સુધી પોહચાડવામાં આવ્યો.

આ પ્રદર્શન દરમિયાન 100થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ ગ્રુપમાં ભાગ લઈને કોમર્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ વિષયો અને ખ્યાલોને મોડેલ, પ્રેઝન્ટેશન, વર્કિંગ મોડેલ અને ઇન્ટરેક્ટિવ પ્રોજેક્ટ્સ દ્વારા રજૂ કર્યા હતા.

વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ્સ દ્વારા બિઝનેસ, બેન્કિંગ, માર્કેટિંગ, ફાઇનાન્સ, અર્થતંત્ર, ઉદ્યોગસાહસિકતા અને અન્ય કોમર્સ સંબંધિત વિષયોને સર્જનાત્મક અને વ્યવહારુ રીતે રજૂ કર્યા હતા. સમગ્ર આયોજન દરમિયાન વિદ્યાર્થીઓની સંશોધનક્ષમતા, ટીમવર્ક, નેતૃત્વ, સંવાદ કૌશલ્ય, સર્જનાત્મકતા અને પ્રેઝન્ટેશન સ્કિલ્સ જોવા મળી હતી.

આ પ્રસંગે સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે:

“શિક્ષણનો સાચો હેતુ માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવન માટે તૈયાર કરવાનો છે. કોમર્સ મોડ્યુલ એક્ઝિબિશન દ્વારા વિદ્યાર્થીઓએ પુસ્તકી જ્ઞાનને વ્યવહારુ અનુભવ સાથે જોડવાનો સુંદર પ્રયાસ કર્યો છે. આવા પ્રયોગો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને નિર્ણયક્ષમતાનો વિકાસ કરે છે.”